Follow US

Responsive Ad

હરિયો


હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો 'તો
એટલે આખો દિવસ બસ
એ એને એના પતંગ.

એના બધા જ પતંગ એક જ રંગના - ભૂરા
એ વળી ચગાવતા પહેલા 
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળીયામાં દોડતો બધાને કહી આવે
'જો જો, મારી સાથે કોઈ પેચ ન લેતા
ને પછી , પતંગ ઉંચે ને ઉંચે ચગાવે રાખે.

મોડી સાંજે 
માં બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઉતારી લે 
ને જતનથી ઘેર લઇ જાય
એની કાળજી જોઈને લોકો હસતા
'હરિયા આ પતંગ છે, પતંગીયા નથી.'

ગઈકાલે એક અવળચંડાએ 
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો 
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઇને 
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ
પણ એકેય આંસુ નીકળ્યું નહી
હરિયો કદી રડતો નહી

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં 
બાકી બચેલી દોરીની ગણતરી કરી
ઝાંખા ફોટામાંની 
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને 
જોતા જોતા એ ગણગણ્યો 
"પપ્પા , કઈ એટલા બધા ઉપર તો નહી ગયા હોય."

                             - અખિલ શાહ 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ